Horizontal ad

સોમવાર, 20 જાન્યુઆરી, 2025

વંશવેલો


                             વંશવેલો                                                                                                           

“ મેં તુમ્હેં ભૂલ જાઉં યે  હો નહી  સકતા ઓર તુમ મુજે ભૂલ  જાઓ યે મેં હોને નહીં દૂંગા . ” જ્યારે વંશવેલો શીર્ષક સાંભળ્યું ત્યારે આ ફિલ્મી ડાયલોગ યાદ આવ્યો .  તમે વિચાર કરતા હશો કે આ ડાયલોગને  વંશવેલા સાથે શું લાગે વળગે?  તો આગળ આ  લેખમાં મારી વિચારધારા પ્રસ્તુત કરું છું. 


        આ પૃથ્વી પર જન્મેલા બધા જ  જીવોનો એક નિશ્ચિત આયુષ્યકાળ છે. આ સમયમાં મનુષ્યથી જેટલું બને તેટલું  કાર્ય થાય છે પણ આખરે તો આ પૃથ્વીથી  વિદાય જ  લેવાની છે ,  તો શું  મનુષ્યને  અને બીજા જીવોને આમ લુપ્ત થઈ જવાનું સ્વીકાર્ય છે ?   કદાચ ના  , એટલે જ  એમનામાં  પ્રજનન એટલે કે’ procreate’ ની પ્રબળ ભાવના  જન્મે છે.  આપણા શાસ્ત્રો પ્રમાણે  એ ગૃહાવસ્થાનો એક સંસ્કાર  છે.  પુરાતન કાળની પ્રથા પ્રમાણે શાસ્ત્રોમાં માવતર અને સંતાનોના અરસપરસ અધિકારો અને કર્તવ્યો છે. એ યુગ પ્રમાણે , પુત્રોને જીવન પછી કરવામાં આવતા સંસ્કારોની જવાબદારી અપાઈ  છે. આથી પણ ઘણા લોકો સંતાનની ઝંખનાં રાખતા હોય છે. 


       વંશજ માત્ર સંપત્તિ સાચવવા માટેનું પાત્ર  નથી પરંતુ માણસના કેટલાય પાર્થિવ અને  આધ્યાત્મિક લક્ષણો  / સંસ્કારો છાની અને દેખીતી  રીતે પેઢી દરપેઢી સચવાય છે .  આપણા હાડમાંસમાં કેટલાય પિતૃઓના  અનુવાંશિક  ગુણો સમાયેલા છે  જેનું આપણને જ્ઞાન પણ નથી.  ભલે ખુલ્લી રીતે એનું પ્રદર્શન ન થાય પણ આપણામાં ક્યાંક એના સંકેતો રહેલા  છે. ઘણા  ધાર્મિક કાર્યોમાં પણ વંશનાં વડીલોના નામો લેવાય છે. 

     

         થોડા વરસો પહેલાં  મેં બીટ અને ઝુકીનીનો   છોડ ઉગાડવા માટેનો  નિષ્ફળ  પ્રયત્ન કર્યો હતો . બંનેના બીજ સરખા જ દેખાતા હતા. ત્રણ દિવસ પછી મેં જોયું કે રાઈ જેટલા બીટના બીજમાં ગુલાબી રંગનો અંકુર

 ફૂટ્યો હતો . એ નાનો બીજ પણ એના પૂર્વજોના સંસ્કાર છુપાવીને  બેઠો હતો.   આ વાત મારા મનને  સ્પર્શી 

ગઈ .  જેમ કોઈ અત્તર કે પરફ્યુમ સૂંઘો એટલે તરત એ  ફુલની  છબી તમારા  માનસમાં  ઉપસે છે એ જ પ્રમાણે  મનુષ્ય  એના વંશજોથી  જીવિત  રહે છે. 


       હવે તો વિજ્ઞાનની મદદથી પણ જે નૈસર્ગિક રીતે ન મેળવી શકતા હોય એવા  દંપત્તિઓ પણ  સંતાનસુખ મેળવી રહ્યા છે પણ કોઈને સંતાનસુખ ન મળે તો શું  ? વારસો માત્ર  સંપત્તિનો  નથી , પણ આદર્શો  અને સંસ્કારોનો પણ હોય છે.  આજે જગતમાં ઘણા બધા લોકો  એમના  જીવનકાળ દરમિયાન પોતાના આદર્શો (ideology)   પ્રસ્થાપિત કરવામાં  કાર્યરત છે,   જેથી એમના આદર્શોને પણ  વંશ મળી રહે.  જેમાં એમની  પ્રતિભા  જળવાઈ રહે. વંશવેલો જળવાઈ રહે. 




                                                         જાગૃતિ દોશી ( અમેરિકા ) 

       તમને એક વિનંતી છે કે કોમમેન્ટ છોડો , જેથી કેટલાં મિત્રોં વાંચે છે એ ખબર પડે . ધન્યવાદ !!

આધુનિકીકરણ / અનુકરણ



                આધુનિકીકરણ / અનુકરણ 


              એક જમાનામાં આપણે ત્યાં દરજીને કપડાંની સાથે શાકભાજી લેવાની થેલીઓ શીવવાં અપાતી . ૯૦ની સાલમાં પ્લાસિ્ટકની થેલીઓનો દૌર શરુ થયો અને કપડાંની થેલી લઈ જવામાં ખાસ કરીને યુવાનોને શરમ આવવા  લાગી. ડોકટરને ત્યાં જતી વખતે ખાલી  શીશી લઈ જતા અને ડોકટર એમાં સીરપ ભરી આપતાં . ટીશયું પેપર , વાઈપ્સ આ બધાનો તો ખ્યાલ પણ ન હતો. કહેવાનો અથૅ છે કે આપણી એક જીવન શૈલી હતી જે  પશ્રિચમી દેશો કરલાં અનોખી હતી. Sociology  ( સામાજીક શાસ્ઞ) માં Moedenization ( આધુનિકીકરણ ) અને Westernization (  પશ્ચિમીકરણ ) આ બે અલગ વિષયો છે. આપણે  પશ્ચિમીકરણને જ આધુનિકીકરણ સમજી લીધું છે. જે વિદેશી દેશો કરે એ આપણને ગમે પણ આપણું હલકી ગુણવતાવાળું લાગે છે. ભાષાથી લઈ પોશાક , રહેણી સહેણી હવે બધું જ આધુનીક જોઈએ. 


     

જેમ આપણે  પશ્ચિમીકરણ અપનાવ્યું છે એમ  પશ્ચિમી નાગરિકો હવે ભારતીય વસ્તુઓ તરફ  આકર્ષિત થતાં જાય છે. બહુ મોટી સંખ્યામાં એ લોકો હવે  આયુર્વેદિક નુકસાઓ અપનાવવા લાગયા છે. આજે કેટલા બધા વિદેશીઓ ભારત આવીને કે પોતાના જ દેશમાં રહીને યોગાભ્યાસ શીખી ચોગા કલાસીસ ચલાવે છે. હંમણા એક ફિલ્મમાં જોયું હતું કે વિદેશી લોકો યોગ ને યોગા કહેછે  તેથી આપણે પણ એમ કહીએ છીએ. યોગના માધ્યમથી હળદર (tumeric) , આદુ ( ginger) , તુલસી(basil) ,  અને નીમ (neem) જેવી વસ્તુઓના ગુણધૅમ જાણીતા થયા છે. હવે ધ્યાનાભ્યાસ ( meditation) આખા ય  વિશ્વમાં માનસિક તાણ દુર કરવા માટે   બહું જ પ્રચલિત માધ્યમ છે. જેનો ઉપયોગ cognitive therapy  ( જ્ઞાનાત્મક વતૅન ઉપચાર ) તરીકે પણ થાય છે. શરીરની  શુધ્ધી માટે ઉપવાસ કરવાની  પ્રથા પણ તૂટક તૂટક ઉપવાસ  (intermittent fasting) તરીકે 

વખણાઈ છે. 


અમેરિકામાં મોટાં શહેરોમાં હવે સમોસા , ઢોસા અને પંજાબી ભોજનના નામો જાણીતા થઈ ગયાં છે. હોળીના તહેવાર દરમ્યાન ઘણી જગ્યાએ હોલી મેલા કે કલર રન ( color run ) યોજાય છે , જેમાં વિવિધ સંસ્કૃતિના લોકો ભાગ લે છે. ઘણાં આરેગ્યપ્રધાન સામાયિકોમાં તો  ખિચડી અને મગની દાળની માહીતિ પણ છપાય છે. લોકોને ઘી અને નાળિયેર તેલના ફાયદા સમજાવાય છે. મોટાં મોટાં મારકેટીંગ ડેવલપરો એમના માલ સામાનમાં  વિવિધતા લાવ્વા માટે ધણી વાર પારંપારિક ભારતીય કલાનું અનુકરણ કરે છે. 


હવે આખું જગત રીસાયકલિંગ કરો !, રીસાયકલિંગ કરો ! એમ કહે છે . પ્લાસિટકનો વપરાશ ઓછો કરી કપડાનાં અને બીજા પદાથોૅ વડે   બનાવેલા થેલા ( tote ) વપરાશમાં લાવેછે. કોઈ જગ્યાએ કાગળની થેલીઓ આપવામાં આવે છે, આપણે ત્યાં તો પ્લાસિટકના  પેકેજીંગ   પહેલા કાગળમાં જ વસ્તુઓ બાંધ્વામાં આવતી. પતરાઈઓ અને કુલ્ડીનો પણ સમાવેશ કરવો જરુરી છે.  પ્રાચીન સમયમાં તાંબા-  પિતળ અને માટીના વાસણો વપરાતા , સ્ટીલનું આગમન થતાં લોકોએ તાંબુ પિતળ ભંગારમાં કાઢી નાખ્યું અને લોકોના ઘરોમાથી લિપ્ત થયા બાદ હવે પાછો દેશ વિદેશમાં  એમનો મહિમા વધવા લાગયો છે. આપણે ત્યાં  બધાં નાના મોટા સાધનો રીપેર થતા . દૂધની થેલીથી માંડીને મશીનો સુધી બધું જ રીસાયકલ થતું. 


આવા તો ઘણાં દાખલાઓ ગણાવી શકાય પરંતુ કહેવાનું  તાતપર્ય એટલું છે કે આપણે અનુકરણના રસ્તે આપણી જીવનશૈલી બદલવા માંગીએ છીએ જયારે એના ફાયદો લઈ બીજા લોકો એમનું જીવન સુધારવા માંગે છે. વસ્તુઓ વેચી વકરો કરવા માટે આખી દુનિયાનાં વ્યાપારો તત્પર છે. હવે તદન પાછા ફરવું શકય ન હોય પણ બને ત્યાં  સુધી વિદેશોનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ.

બુધવાર, 9 ઑક્ટોબર, 2024

મળવું અને છૂટાં પડવું. - Malvu ane chuta padvu.

                                                       મળવું અને છૂટાં પડવું.


              


  સાગર મારી પાસે આવીને આમ દૂર કેમ જતો રહે છે, શું એને મારો સંગાથ ગમતો નથી ? જે,  જે તે આપે છે તે બધું હું સ્વીકારું છું , એને પ્રેમથી  આવકારું છું. એ આમ મારી પાસે આવીને દુર કેમ જતો રહે છે? અંબર  તરફ  એને વધારે ખેંચાણ છે. અંબરની  મોહકતા મારા કરતા વધારે છે એટલે ? પ્રભાતથી  સંધ્યાકાળ લગી અંબરને  છે સુર્યનો સાથ. રાત્રીમાં અંબરમાં  ઝબુકતા તારલીયાઓ મને  મારી વિવશતા પર હસતા લાગે છે. સાગર શાંત હોય અને ચંદ્રિકા એના પર પથરાય એ મોહક અને રમ્ય શાંતિમાં મને મારો જ વિલાપ સંભળાય છે. અંબરેથી નિરખતો શશી અને ઉગતો અને આથમતો રવિ મને મારામાં જ કાંઈ ખોટ છે એમ વર્તાવે છે. સાગર ને પામવા હું શું કરું ? હું ઊંડી ઉતરી જાઉં જેથી સાગર મારામાં સમાઈ જાય ? ના, પણ હું એમ નહીં કરી શકું , એથી સાગર નિમૅળ નહીં રહે. કાદવ કહેવાશે. સાચે, જેના  પતિ પ્રેમ હોય એનું બુંરું પણ ઈચ્છી શકાતું નથી . નહિતર મારે અંબરની જેમ મોહક થવું જોઈએ , પણ હું મોહક થઈશ શી રીતે? મારો રંગ પણ કેવો , લોકો મને ખૂંદીને જાય . સાગર નો બધો કચરો મારી ઉપર ઘસડાય છે , હું કેવી રીતે સુંદર થઈશ? શું હું સાગરને નહીં પામી શકું? 


સાગર જવાબ આપે છે…..

            

               “ અરે, તું જ મારું ઉદગમ અને સીમા છે !!! તારા વગર મારી ગતિ દિશાહીન થઈ જાત. તું જ તો મારી ગંદકી સ્વીકારીને મને શુધ્ધ બનાવે છે. જ્યારે  હું આવેગમાં આવીને બેકાબુ થઇ જાઉં છું ત્યારે તું જ ડૂબનારને જીવનદાન આપે છે. જો તું ન હોત તો હું એકલો અટૂલો આગળ ધસ્ત અને આ પૃથ્વીનો અધ:પાત થઈ ગયો હોત. અંબર કાંઈ મને મળતું નથી એનો માત્ર ભાસ છે , આવા સાત અંબર મળે તો પણ હું અંબરને અડી શકું નહીં. હું અંબરથી એટલો જ દૂર છું જેટલો તારાથી નજીક. હું કેટલા હર્ષથી તારી પાસે આવું છું પણ મારે પાછા જવું જ પડે છે,  એ જ કુદરતનો નિયમ છે. મળીને છૂટા પડવું અને છુટા પડીને મળવું આથી જ પ્રિય વ્યક્તિની સ્મૃતિઓ અને આકર્ષણ જળવાઈ રહે છે.” 


શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

Pachha Valta

         મારી વાર્તા “સંપેતરું”  માં મેં જે ભાવનાઓની વાત કરી છે ,  એના પરથી આ કવિતા લખી છે . આજે સૌનું જીવન બહું  વ્યસ્ત છે તેથી  સૌની લાગણીઓ પણ પરિસ્તીથી પ્રમાણે બદલાતી રહે છે , પરંતુ જે લોકો વિદેશ ગયાં હોય છે  ,  તેઓ જાણે ટાઈમ કેપ્સ્યુલમાં કેદ થઈ ગયા હોય છે . એમનું મન એમને એજ હૂંફની લાલસામાં  પાછું લાવ્યું  હોય છે .  


                                      પાછા  વળતા…….


 

આજીવિકા શોધવા ગયેલો વાનર પાછો વળ્યો,

 મંદ મંદ મલકાતો ઘેર જવા ઉતાવળો,

 વિચારતો, કેવું સુંદર એ લીલુંછમ ઝાડ મારું ! ,

 વર્ષો એના પર ટીંગાટા મારા ભાઈ ભાંડુ,

 હવે ફરી સાથે મળીને ખૂબ આનંદ માણશું,

 પાસેના તળાવમાં ,મસ્ત થઈ  ડુબકી લગાવશું, 

  ફરી કુદશું એ જાણીતી વડવાઈઓમાં,

 હુંફ પામશું એક બીજાના સાદા સંવાદોમાં,

 ત્યાં દેખાયો દરવાજો મોટો , ઘેર પહોંચતા,

 વાનર  માને , હમણાં આવશે બધા એને ખોજતા,

 પણ હવે ખરો મુંજાયો,  એ આગળ જતા,

 નથી દેખાતા આજ તો કોઈ ,જે અહીં જ હતા,

 જ્યાં હતું ઘર ,ત્યાં છે હવે ઊંચું મકાન,

 તળાવની જગ્યાએ છે,ચમકીલી દુકાન,

 ત્યાં  અકસ્માતે એક માનવ એને ભટકાયો,

 કહે "હું પણ વિદેશથી ઘેર આવવા હરખાયો." 


—-------

 @Jagruti Doshi2024


શુક્રવાર, 23 ઑગસ્ટ, 2024

varsaad

                                          વરસાદ



ક્યારેક ગડગડાટ તો ક્યારેક સુસવાટ એટલે વરસાદ,

આકાશને જ્યારે ફુટે હેતનાં ફુવારા એટલે વરસાદ,

તરસતી ધરતીની સંતોષાતી તૃષ્ણા એટલે વરસાદ,

પોતાના જ  રંગોથી ખેલાતી પાંદડાંઓની ધુળેટી એટલે વરસાદ,

બે છબછબીયાં કરતાં બુટ ને નીતરતો રેઈન્કોટએટલે વરસાદ,

કાદવ, કાદવ એ પેન્ટ અને તણાંતા ટ્રેનના પાટા એટલે વરસાદ,

થાકી ગયેલી ટ્રેનોનું વેકેશન અને ગાડીનો જકુઝી એટલે વરસાદ,

મરીનડ્રાઇવ પર મોટરસાઇકલની સવારી એટલે વરસાદ ,

ઉડી જતી છત્રીએ કરેલી છેડછાડ એટલે વરસાદ ,

અરબી સમુદ્રની ઉજાણી એટલે વરસાદ, 

ગરમ ચા અને પ્રેમગીતો વગાડતો રેડિયો એટલે વરસાદ,

ભજિયાં, સમોસાં અને પાઉંવડાની ઘરાકી એટલે વરસાદ,

માખીઓની પંગત અને હવાયેલી દિવાસળી એટલે વરસાદ,

ભીના છાપાં પર  થતી અક્ષરોની જુગલબંદીએટલે વરસાદ ,

ગાડીની હેડલાઇટમાં તનકતારાનો ભાસ એટલે વરસાદ ,

છાપરાંનીચે આંખો મીંચી રાહ જોતી ગાય એટલે વરસાદ ,

પ્રિયતમાનાં હદયમાં ઉછળતી પ્રેમની ઊર્મિઓ એટલે વરસાદ,

એને જોઈ ગાંડો થતો પ્રીતમના હદયનો ધબકાર એટલે વરસાદ.         

————————

    કવિતા : @  જાગૃતિ દોશી ૨૦૨૪ 







ગુરુવાર, 22 ઑગસ્ટ, 2024

ફરિયાદ - Fariyaad

   વૈષ્ણવોના ઘરમાં બાલકૃષ્ણની સેવા થાય છે. એને ભગવાન તરીકે નહીં પણ ઘરનાં એક સદસ્યની જેમ જ સચવાય છે . બાળક જન્મવાનું હોય ત્યારે જે ઉજાગરા થાય એવું જાગરણ જન્માષ્ટમી પર કરાય . આખો દિવસ ઉપવાસ કરી સાંજે પારણું તૈયાર કરવાનું. ફૂલોથી એને સજાવવાનું . મધરાત્રે આરતી ભોગ  કરીને કૃષ્ણને વધાવવાનો.  માત્ર જન્મથી વાત પૂરી નથી થતી હવે તો આ બાળકને પ્રેમથી ઉછેરવાનો . ભગવાન બીજા હોય પણ બાલકૃષ્ણ એટલે ઠાકોરજી , કાનો કે લાલો . એક નટખટ બાળક જે આપણને એની માયામાં મુગ્ધ કરી નાખે . એને લાડ લડાવવા પડે , એને જગાડવાનો , નવડાવવાનો, વસ્ત્ર શણગાર પહેરવવાના , ટોપી , મુકુટ , માળા , મોરપિચ્છ અને વાંસળી હાથે ,  ભોગ ધરવાનો , અને પોઢાડી પણ દેવાનો . એનું હુલામણું નામ એટલે ઠાકોરજી . ઠાકોરજીનો તો શું રુવાબ , એમના કપડા , શણગાર , અને રમકડાં પણ એની નિયમીત જગ્યા પર રખાય , એમનાં વાસણો પણ જુદાં , સોફા જેવી બેઠક જેની પર મખમલના ગાદી તકિયા અને રજાઇ . સુતી વખતે મંદિર બંધ જોઈએ જેથી ખલેલ ના થાય . 

 ઠાકોરજીને સવારે ઉઠાડતી વખતે , “ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા “ તો નવડાવતી વખતે 

“ જમના જળમાં કેશર ઘોળી સ્નાન કરાવું શામળા “ જેવા ભજનો ગવાય છે . કોઇ દિવસ મૂર્તિને નવડાવો , કે ઉઠાડો એમ નથી કહેવાતું કારણકે એ તો ઘરનો એક બાળક જ છે . એને માટે ખાસ ચણાના કે બીજા લોટોની નાની નાની ગોળી ( નાના લાડવા) બનાવાય છે અને દૂધ અને સાકર તો  ભોગમાં હોય જ . ઠાકોરજીને ભોગ ધરતી વખતે“ મારા કાનાને માખણ બહુ ભાવે “ તો સુવડાવતી વખતે “ ગોપાલ મારો પારણિયે જૂલે રે,  એવા વ્હાલભર્યા ગીતોથી આજીજી કરાય છે . આ દૈનિક ક્રિયામાં આપણી અંદર એક સંવાદ ચાલતો રહે છે જાણે કાનો બધું સાંભળતો હોય . ઠાકોરજીની પુજા નથી કરાતી , સેવા કરાય છે. 

 આ રીતે કાના સાથે મોટા થઈએ એ આપણને આપણાં કોઈ ભાઈબંધુ કે મિત્ર જેવો લાગતો હોય છે . બાળપણમાં આપણે ભૂખ સહન કરીને પહેલા ઠાકોરજીને ભોગ આપવા દેતાં . ઘણીવાર એની સેવામાં રોકાયેલી મમ્મીકે દાદીએ આપણને મોડું પણ કરાવ્યું હોય , જાણે નાનાભાઈને પહેલા .  એની સાથેના હેતે એને તુંકારે સંબોધવાનો હક પણ આપ્યો હોય છે . નીચે લખેલી કવિતામાં મેં એ છૂટ લીધી છે .  જેમ બાળપણમાં ઠાકોરજીની સેવા વખતે મનમા સંવાદો ચાલતા એમ આજની જીવનશૈલી પ્રમાણે હું કાના સાથે આ સંવાદ કરું છું . 

                                    ફરિયાદ 

                ગાડીઓની  ટોળી જીપીએસ લઈ  બધે  ફરે , 

               વૃંદાવનમાં હવે ગાયોના ટોળા કયાં રોમિંગ કરે? 


                 જીવન સંતાકુકડી જાણે , હું ફોલોવ કરું તું  સંતાય, 

                 દુરથી તારા દર્શને આવું ને તું ઓનલાઇન જાય , 


                 મેસેજ કરી થાકું તોય રિપ્લાય તું ન કરે 

                 મારે લાઇક કરવાનો તને  ભલે તું અણદેખું  કરે , 


                 રોજ  દુનિયામાં નવી નવી પોસ્ટ નાખતો જાય , 

                 મારી મરજીથી એને ડિલીટ પણ ના કરાય , 


                  ગોવાળોને છોડી તું નેટવર્કને વળગ્યો , 

                  ધરેલા રિયલ માખણમીસરી પણ ન ગળચ્યો, 


                    મંગળા સમયે કાલે તો તને માંડ ઉઠાડ્યો , 

                    કાના , આ ફોને તને બહુ બગાડ્યો !!!!      —- જાગૃતિ દોશી                           

                               —————— 


રવિવાર, 4 ઑગસ્ટ, 2024

પંખી- Pankhi

કવિ કલાપીની રચના , “ તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો “ સ્કુલમાં વાંચી હશે . એનાથી પે્રીત થઈને લખેલી મારી  જુની કવિતા, 

                         પંખી.                      


તે પંખીની ઉપર પથરો ફેંકતા,  નહી ફેંકાયો , 

ઘણું કર્યું છતાં હાથ નહીં લંબાયો , 

હૃદય એનું હતું પણ વેદના મારી હતી , પંખી પણ મારું મનભાવતું હતું . 

પંખી , તે મિત્ર તારી મૈત્રીનું છે , 

શંકાનો કઠોર પથરો છે, 

મનનું સમાધાન તો થતાં થાત , 

                                     પણ જીગરજાન મૈત્રીનું પંખી 

                                                            ઉડી જાત  .


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪


                       ————————————

 

શુક્રવાર, 9 ફેબ્રુઆરી, 2024

કચોરી- Kachori

       દરેક દરિયાને જેમ કિનારો હોય જ એમ આખા ભારતમાં બજાર કે નાની ગલીઓમાં એક તો ફરસાણની દુકાન હોય જ . આ દુકાન જ ખાવાના રસિયાઓનો કિનારો. શિયાળાનું ઊંધીયું , ચોમાસાના ભજિયા કે રવિવારની  સવારના  જલેબી ગાંઠિયાના શોખને પુરી કરતી ફરસાણવાળાની દુકાનો આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગઈ છે.  વારે તહેવારે, જન્મદિવસ કે જમણવારમાં, પરિણામ જાહેર થવાના દિવસે કે રોજ સાંજની ભૂખ સંતોષવા માટે આપણે ત્યાં દોડી જઈએ છીએ .  કોઈએ નિરીક્ષણ કર્યું હોય કે નહિ,  પણ આવતા જતા એના  કાચના કબાટમાં પર્વતોની જેમ સજાવેલી સમોસાની હારમાળા કે બુંદીના લાડુનો મધપૂડો જેવા  પકવાન જોઈ જોઈને જ આપણે મોટા થયા . મહેમાન આવ્યા હોય તો તરત ફરસાણની દુકાને દોડી જવું , મહેમાનના બહાને ઘરના લોકોને પણ ઉજાણી થાય.  અમુકવાર તો પોતાના જ પરિસરમાં આવેલો  ફરસાણવાળો ચડીયાતો એવી દલીલો પણ થાય. સાવ સાધારણ જેવી લાગતી આ દુકાનોમાં જે વ્યાપારના સિદ્ધાંતો શીખવા  મળે એ શીખવા  તમારે હજારો લાખો રુપિયા ખરચવા પડે. કોઈ નક્કી સંખ્યાના ખરીદદાર નહી છતા રોજ રોજ નવું ઉત્પાદન , વેંચાણ અને વકરો. એક એક દુકાન એક કારખાનું છે અને એમાં કામ કરતા લોકોની ધગશ વખાણવાલાયક છે . હવે પછી તમે ફરસાણવાળાની દુકાનોથી પસાર થાઓ તો અહીં લખેલી કવિતા જરુર યાદ કરજો . 




                                       

                              કચોરી 



સવારે બજારમાંથી જતા, સુગંધ એવી આવી, 

વિચાર કર્યો આજે ઘેર જતાં કચોરી ખાવી, 

ટત્રેનમાં બેસતાં પણ એ જ સુગંધ ધ્યાનમાં ભરાઈ, 

ઑફિસમાં ચા ની સાથે કચોરીની કમી જણાઈ. 


સાંજે ઘેર જતી વખતે પાછી આવી ફરસાણની દુકાન, 

ખમણ, પાતરા, ભજિયા , ગાંઠીઆ જેવા પકવાન,

તટસ્થ શિખર જેવું પડ મેંદાનું , પુરણમાં લાજતી અડદની દાળ,

મીઠોં સ્વાદ વરીઆલીનો , તીખો મરચાંનો લાવે મોંમા લાળ,

ન ગમે ફાફડા, ન ગમે જલેબી , આજે તો માત્ર કચોરી,

ગર્વથી ફુલેલી , સેવ , ચટની, દહીંસાથે , ન ભાવે કોરી.


આ તો કેટલી ભીડ દુકાને !! ભીડને બે બે કોણિયા હાથ ,

લેવાની અધીરાઈ  ને આપવાની ત્વરા , બંનેનો સાથ.

જે ગ્રાહક બોલે ,તે કાકા રટે, રોકડાની હેરફેર થાય,

સાથે ઉભેલો લાલો ય , કેટલા દીધા ગણતો જાય.

દોઢ કલાકમાં કાકાએ કર્યો , આખા દિવસનો વ્યાપાર ,

એક પડીકું મને ય મળ્યું , કહી કહીને બે-ત્રણ વાર.


હાથમાં પડીકું આવતા , માન્યો મનમાં આભાર,

ત્યાં જ  થંભીને ખાવાની ઇચ્છા  થઈ અપાર,

ઘેર જઈને ખોલ્યું તો થયો મોટો વિશ્વવાસઘાત, 

અરે….રે… આ તે કેવો આઘાત !!!


રસાળ સપનાં અને ભીડનાં સંઘર્ષ પછી શું થયું ?,

મન હતું કચોરીનું ને આ બટાટુંવડુ આવી ગયું .

રડામણા મોઢેં હવે પાછા તો કેમ જવાય,

કવિતા લખું , આજે કચોરી તો નહીં અ જ ખવાય.

આજે કચોરી તો નહીં અ જ ખવાય.


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪


.






શનિવાર, 27 જાન્યુઆરી, 2024

ફોન - કવિતા , Phone-Kavita


હવે બધું  બહું જ અનુભવવાનું , 

હાથમાં ફોન છે , ફોનમાં શબ્દો , 

શબ્દોમાં સંવેદના , ઉછીની વેદના.

આખી દુનિયા ફોનમાં આવે,

 સાથે  સાચા ,ખોટા ,ચિત્ર , વિચિત્ર વિચારો લાવે.

 

  એક ઘડી સેન્સેટિવ થવાનું,

 બીજી  ઘડી  

ફોન કહે " પેલું ફોર્મ ભર".

 ફોન નચાવે એમ નાચવાનું,

 ઉઠાડે પણ એ જ ,

સુવાડે પણ એ જ,

 મિનિટે મિનિટે હસાવે સહેજ.


 હજારો ફોટા ,ફોટામાં સારું દેખાવાનું,

 કોઈ કોમેન્ટ કરે કે ન કર,

 એ સુધા ન સહન થવાનું.

ભાવ બધા છે  કેદ  ફોનમાં,

 હવે નિષ્ભાવ ચહેરાને કોણ જોવાનું.


 ફોન ચમત્કારથી ઓછો નથી,

 સાથ ,સંગાથ ,સલાહ ,સુચન

 હવે કોઈની જરૂર નથી.

 જીવન જીવવાની બધી માહિતી

 અહીં મળશે,

        અરે ,,,,, !!!! ભાવથી કરેલી ભક્તિ પણ ફળશે. 


નામ જબરૂં મારા સ્માર્ટ ફોનનું 

 હેડફોન રહે જેમ હેડ પર.

 એમ આઈસ ની સામે રહે આઈફોન

 એલિયન કેટલા સ્માર્ટ,

 આ સવાલ આવે ફરીને,

 એલિયનની જેમ સ્માર્ટ બનાવે

 એલીયનેટ કરીને.


 પહેલા પોતાના અભિપ્રાય પર

 ક્યાં હતો ભરોસો,

 પોતાનું પરમ મહત્ત્વ સ્થાપતા

 થતા વર્ષો.

 આખી દુનિયા ની પંચાતમાં હવે ગૂંથાયેલો,

 google પર મળ્યો માણસ,

 જે વેબમાં ખોવાયેલો.


 આજ્ઞા કરીતા તો વખાણવા જેવી,

 સૂચના માત્ર એક જ વાર દેવી,

 હપ્તા એ  ભરાવે ,

 રોજ દવા લેવાનું ય યાદ કરાવે,

 કર્મનું બંધન બંને નિભાવે,

 માણસ ચાર્જ કરે  ફોનને

 ફોન માણસને. 


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪


Courtesy : સ્માર્ટફોન

                           ઈન્ટરનેટ