Horizontal ad

રવિવાર, 18 ફેબ્રુઆરી, 2024

સંકલ્પ -Sankalp

            સવારે પાંચ વાગ્યાની અલારમ વાગી એટલે સંકલ્પનો હાથ એ બંધ કરવા લંબાયો,  હજી એને ઉઠવાનું મન થતું ન હતું કાલે રાતના સૂતા સૂતા પણ લગભગ ૧૧ વાગી ગયા હતા અને આટલા જલ્દી પાંચ પણ વાગી ગયા. હવે ૫:૧૦ થઈ ગઈ , મોડું થશે એમ વિચારતા સંકલ્પ હવે ગાદલા પરથી ઉભો થઈ ગયો. એના અવાજથી મોક્ષા પણ જાગી ગઈ હતી. બાથરૂમમાં તૈયાર થતા થતા સંકલ્પે બારીમાં જોયુ તો બહાર આટલો બધો બરફ પડ્યો હતો.  આજુબાજુના ઘરોના છાપરા, રસ્તા અને એની ગાડી બધું જ બરફથી ઢંકાઈ ગયું હતું. હજી તો સૂરજ ઉગવાને વાર હતી તેથી હમણાં આ બરફ પણ પીગળવાનો નહોતો. સંકલ્પની નજર બારીમાંથી ફરીને અરીસામાં ગોઠવાઈ થોડી ક્ષણો માટે એ પોતાને જ ઓળખી ન શક્યો. જાણે રાતની સવાર થઈ એટલી ત્વરાથી   એનામાં આટલા બધા  બદલાવો આવી ગયા. જ્યારે એણે આસિસ્ટન્ટ તરીકે  આ નોકરી શરૂ કરી હતી ત્યારે  જુવાનીના જોશથી  છલકાતા એના વ્યક્તિત્વને એની આંખોની ચમક  સાથ આપતી હતી. હવે થાકેલી ઊંડી ઉતરેલી આંખો, પાખા થઈ ગયેલા  વાળની ગોઠવણ,   બેકાળજી ને લીધે   સંકોચાઈ ગયેલું  શરીર, સુકાઈ ગયેલી ચામડી અને  કપાળ પરની કરચલીઓ  , આ બધું સંકલ્પને  વીતેલા સમયની અનુભૂતિ કરાવતું હતું. આ ૨૦ વર્ષમાં પોતાની તનતોડ મહેનત અને પારિવારિક જીવનનો ભોગ આપીને સંકલ્પ હવે ચીફ લીગલ ઓફિસર બની ગયો હતો. સમયનો તો પહેલેથી જ પાકો હતો તેથી બધા વિચારો છોડીને એ નોકરીએ જવા તૈયાર થઈ ગયો. બરાબર પોણા છ વાગે  એ દરવાજાની બહાર નીકળી ગયો. આજે રસ્તા પર બરફ છે એટલે એને ડબ્બો લેવાનો પણ ટાઈમ ન રહ્યો. જતા જતા  અડધી ઊંઘમાંથી સંકલ્પની પાછળ આવતી મોક્ષાએ કહ્યું “”ગુડ લક!” 

 “ થેન્કયું .” સંકલ્પે જવાબ આપ્યો.

                   ઘરની બહાર નીકળતા જ સંકલ્પને ઠંડો પવન ઘેરી વળ્યો એ જલ્દીથી  ગાડીમાં રહેલા બ્રશથી ગાડી સાફ કરીને  ગાડીમાં અંદર બેસી ,  એના રોજના રસ્તા પર નીકળી ગયો. ગાડી ચલાવતા ચલાવતા  એને ભૂતકાળ ની વાતો યાદ આવી. કેવા કેવા સમયમાંથી પસાર થઈને આજે સંકલ્પ આ હોદા ઉપર હતો. મોક્ષા આખો દિવસ ઘરમાં કંટાળી જતી બાળકોના જન્મ પછી વ્યસ્ત તો હતી પણ બે નાના બાળકોને આખો દિવસ સંભાળવા સહેલું કામ ન હતું.સંકલ્પ પોતાની મહેનત અને નિષ્ઠાથી પોતાના  ઉપરી ઓને પોતાની ઉપયોગીતા  જણાવી રાખતો.  એની આ  વ્યસ્તતાને લીધે  જ સંકલ્પ અને મોક્ષા કોઈ સામાજિક ગ્રુપમાં પણ ન જોડાય શક્યા કારણકે,  પાંચ છ દિવસ નોકરીમાં થાક્યા પછી અને પાંચ છ દિવસ ઘર અને છોકરાઓને સંભાળ્યા પછી મોક્ષા કે સંકલ્પમાં બહાર જઈ દોડાદોડી કરવાનું  જોર કે ઉત્સાહ ન હતા અને મોક્ષા માટે પણ એક જ દિવસ હતો જ્યારે તે છોકરાઓ થી થોડી છૂટી થઈ શકતી.હવે તો  મોક્ષા,  જશ અને સિદ્ધિ પણ સંકલ્પની ગેરહાજરીથી ટેવાઈ ગયા હતા. 

                     હજી સવાર નો ટ્રાફિક શરૂ થયો નહોતો એટલે સંકલ્પ જલ્દીથી એની  ઓફિસે પહોંચી ગયો.  આજે કંપનીના પ્રેસિડેન્ટે મીટિંગ બોલાવી હતી. છેલ્લા ૭ -૮ મહિનાથી કંપનીના મર્જર ની વાતો ચાલી રહી હતી.આમ તો એની કંપની “  ઓપયુલનસ  ફાઈનાન્સિયલ સર્વિસીસ ”  પહેલા પણ બે  વાર ટેકઓવર થઈ હતી. એની સાથે કામ કરતા ઘણા કર્મચારીઓ પણ બદલાયા હતા. દરેક વખતે નવા એડમિનિસ્ટ્રેશનને  પોતાની નવી પોલિસીઓ અમલમાં લાવવી હતી.સંકલ્પ ગાડીનું ગિયર પાર્કમાં મૂકીને અરીસામાં પોતાનો દેખાવ ઠીક કરવા લાગ્યો. એકદમ કડક સફેદ શર્ટ સાથે ગ્રે રંગના પેન્સ અને ઓરેન્જ અને ગ્રે રંગની ટાયમાં એનો  આત્મવિશ્વાસ અલગ જ રીતે છલકાતો હતો. આમ તો સંકલ્પમાં આત્મવિશ્વાસની કમી ન હતી આખરે તો એ એક ‘વર્ક હોસઁ’ હતો અને કંપનીને એની જરૂર હતી. ગાડીમાંથી બહાર નીકળીને સામે સામે દેખાતા ઊંચા ટાવરમાં  ૧૫, ૧૬ અને ૧૭ મા માળે સંકલ્પની કંપની  ઓફિસો ધરાવતી હતી.  ટાવરની સામેના બે ત્રણ પગથિયા ચડતા  ચડતા સંકલ્પે  જોયુ કે હવે સૂર્યના કુમળા કિરણો બરફને ચમકાવી રહ્યા હતા. અનાયાસે જ એને લિફ્ટની સામે રહેલા બોર્ડ પર નામ વાંચ્યુ  “ ઓપયુલન્સ  ફાઇનાનસીયલ  સર્વિસીસ.” આ નામ જાણે કે સંકલ્પના મન અને શરીર ઉપર એક મહોરની છપાઈ ગયું હતું.. ૧૫ માં માળે લિફ્ટ માંથી બહાર  નીકળી પોતાની કેબિન તરફ જતા રસ્તામાં બે ત્રણ કર્મચારીઓએ સંકલ્પને યાદ કરાવ્યું કે આજે ૧૦:૦૦ વાગ્યે  મીટિંગ  છે.

“ આઈ એમ રેડી, જોઈએ હવે શું થાય છે!”  સંકલ્પે હસીને જવાબ આપ્યો. ઓપયુલન્સ  ફાઇનાન્સીયલ સવિઁસીસ કંપની આમ તો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો સંભાળતી હતી એમાં ટેક્સેશન  ડિપાર્ટમેન્ટ પણ હતો. બીજી વખત જ્યારે કંપનીનું મર્જર થયું ત્યારે સંકલ્પ અને એના બે સહકર્મચારીઓએ રાતદિવસ એક કરી નાખ્યા કંપનીના બધા એકાઉન્ટ નવા સોફ્ટવેર માં ટ્રાન્સફર કરવા  માટે. અમુક એકાઉન્ટ તો સંકલ્પે જાતે બેસીને કરવા પડ્યા પ્રાઇવેસી રાખવાને કારણે. હમણાં ચાર મહિના પહેલા જ ઓડિટ ની  ડેડ લાઈન  ચુકી ના જવાય એટલે ઘણીવાર તો સંકલ્પે ઘરે જઈને પણ એના ઇન્ટરનેશનલ કોન્ટેક સાથે ફોન પર સંપર્ક કરીને કામ પતાવયું . સંકલ્પને એના બોસે આશ્વાસન આપ્યું હતું કે કંપનીના મર્જર પછી એનું ભવિષ્ય સુરક્ષિત હશે.   કદાચ એને કોર્પોરેટમાં મોટી પોઝિશન પણ મળી શકે છે. આ બધા કારણોસર સંકલ્પને કાંઈ ચિંતા ન હોતી કે મર્જર પછી શું થશે. 

      ૧૦:૩૦  વાગે બધા કર્મચારીઓ મીટિંગ  રૂમમાં પહોંચી ગયા મોટી મોટી બારીઓ વાળા આ સફેદ રૂમમાં એક  ખૂણામાં ટેબલ ઉપર કોફી અને સ્નેક્સ રાખ્યા હતા એની તદ્દન સામે મોટા  લંબગોળ ટેબલ સાથે ગોઠવાયેલી ખુરશીમાં કંપનીના પ્રેસિડેન્ટ,  સીઈઓ  અને ડિસટત્રીકટ મેનેજર  બેઠા હતા. . પ્રેસિડેન્ટ , મિસ્ટર પાર્કરને બધાએ  થાળીઓથી વધાવ્યા એમનો આભાર માની પ્રેસિડેન્ટે ઘોષણા કરી કે એમની કંપની  ઓપ્યુલન્સ  ફાઇનાન્સીયલ સર્વિસીસ હવે ગાર્ડીયન ફાઇનાન્સ કંપની સાથે મર્જર કરી રહી છે અને એમણે  આટલા મહિના જે કર્મચારીઓએ મહેનત અને શિષ્ટથી વ્યવહાર સંભાળ્યો એ બદલ બધાનો આભાર માન્યો. વધુ ન કહેતા એમણે દરેક કર્મચારીને પોતાની ઓફિસમાં આવીને પર્સનલી વાત કરવા માટે જણાવ્યું.હવે  થોડો નાસ્તો કરી બધા કર્મચારીઓ છૂટા પડ્યા અને પોતપોતાની કેબિનમાં જવા રવાના થયા. સંકલ્પને આ જ વાતની ઇન્તેઝારી હતી . જ્યારથી મર્જરની વાતો સાંભળી હતી ત્યારથી એના મનમાં અલગ અલગ ચિત્રો રચાય રહ્યા હતા , કદાચ એને આ શાખામાં જ રાખે કદાચ બીજે ટ્રાન્સફર પણ થાય પરંતુ  પરંતુ અહીંથી એ 30 મિનિટમાં ઘરે પહોંચી જતો એટલે પારિવારિક દષિ્ટીએ  આ શાખા જ અનુરૂપ હતી. સંકલ્પે સાંભળ્યું હતું કે કેટલાક કર્મચારીઓ છૂટા થવાના ભયથી પહેલા જ રાજીનામું આપી ચૂક્યા હતા.

           આખરે બે વાગે  પ્રેસિડેન્ટ પાર્કર સાથે વાત કરવાનો  સંકલ્પનો વારો આવ્યો . દરવાજા પર ટકોર કરી એ ઓફિસમાં દાખલ થયો.

“ કમ ઇન” કહીને  હસતા મોઢે  પ્રેસિડેન્ટેં સંકલ્પ ને કેબિનમાં આવકાર્યો.સંકલ્પે લાલ  રંગ ની ખુરશી પાછળ કરી અને  એમાં બેસી ગયો. હવે  પ્રેસિડેન્ટેં  આંખો ઝીણી કરી , થોડા કડક ભાવ રાખીને બોલવાનું શરૂ કર્યું, 

“  સંકલ્પ તમે એક ખૂબ જ મહેનતુ અને અનુભવી કર્મચારી છો અમારી કંપનીને આગળ વધારવામાં તમારૂ મહત્વનું  યોગદાન છે.  એ બદલ અમે તમારા આભારી છીએ,”  આટલું બોલ્યા ત્યાં તો ફોનની ઘંટડી વાગી અને વાર્તાલાપમાં ખલેલ પહોંચ્યો. એક્સક્યુઝ મી કહીને પ્રેસિડેન્ટેં ફોન ઉચક્યો. મહત્વનો હશે એટલે જ એમને લેવો પડ્યો.  સામેની ખુરશીમાં બેઠેલો સંકલ્પ વિચારી રહ્યો હતો કે કદાચ હવે એને મોટા હોદા ઉપર મૂકે અને એની સાથે એને વધારે પગાર પણ મળી શકે. આખરે તો કામ પણ વધવાનું હતું અને જશ અને સિદ્ધિ મોટા થઈ રહ્યા હતા એટલે એમના  ખર્ચા પણ વધી રહ્યા હતા. મોક્ષાની  ફરિયાદ પણ એની જગ્યાએ યોગ્ય જ હતી . એકવાર તો  એ એટલી કંટાળેલી હતી કે બોલી “તું તો માત્ર કપડાં બદલવા જ ઘરે આવે છે .” ત્યારે સંકલ્પે એને સમજાવી હતી કે,

“  હું આટલું કામ કરું છું જેથી તું ઘરમાં રહીને છોકરાઓનું ધ્યાન રાખી શકે.”  વાત તો સાચી હતી પણ એટલી સાદીને સરળ ન હતી મોક્ષા પોતે સમજતી હતી કે આર્થિક દ્રષ્ટિએ સંકલ્પની નોકરી એમનો જીવન નિર્વાહ કરી શકે એમ હતી. મોક્ષાને પોતાને  માનું  વાત્સલય  મળયું ન હતું  એટલે થોડા વર્ષો એણે ઘણી હોશથી છોકરાંઓનું પાલનપોષણ કર્યું, થોડા વર્ષ પછી બેબીસિટિંગના  ખર્ચા  બચાવવા પણ મોક્ષાએ  ઘરે રહેવાનું સ્વીકાર્યું  હતું.

     થેન્ક્યુ કહીને પ્રેસિડેન્ટે જલ્દીથી ફોન પતાવ્યો અને  પાછા સંવાદે વળગ્યા,

 ‘તમારા જેવી મહેનત અને નિષ્ઠાની આજે ઇન્ડસ્ટ્રીમાં ઘણી કમી છે. તમારા જેવા અનુભવી કર્મચારીને તો કોઈ પણ કંપની ખુશી ખુશી  સ્વીકારવા તૈયાર થશે. પરંતુ…..” 

 પરંતુ સાંભળીને તરત જસંકલ્પના મનમાં  ફાળ પડી,  એક ક્ષણ માટે એના હૃદયના ધબકારા પણ થંભી ગયા હતા.

“  પરંતુ  આ મર્જર થતા  ઓપયુલન્સનો ટેક્સેશન ડિપાર્ટમેન્ટ અમે  બીજા દેશની શાખામાં ટ્રાન્સફર કરીએ છીએ અને અહીં ફક્ત ઓડિટનું કામ વધારીએ છીએ.”

“ એટલે,  હું સમજ્યો નહીં?”  સંકલ્પે જે સાંભળ્યું  એ  એનું   મન સાંભળવા કે સમજવા માગતું ન હતું.

“ અમારે તમને  રજા આપવી પડશે”  પ્રેસિડેન્ટ બોલ્યા. એ પણ સંકલ્પની  ફાટેલી  આંખો સાથે આંખો ન  મળાવી શક્યા. 

હવે સંકલ્પના પગમાં ધ્રુજારી જેવું કાંઈ થયું અને એની આંખે પણ અંધારા આવવા લાગ્યા.  એની  અડધી બંધ આંખોમાં એને મોક્ષા જશ અને સિદ્ધિ આ ત્રણેયના ચહેરા દેખાવા લાગ્યા.  હવે એના પરિવારનું શું થશે, એનું શું થશે,  જ્યાં રોજ હજારો  યુવકો અને યુવતીઓ ગ્રેજ્યુએટ થતા હોય છે અને અડધા પગારમાં કામની શરૂઆત કરતા હોય છે ત્યાં એને ૪૫ વર્ષે બીજી નોકરી ક્યાં મળશે ? 

   પ્રેસિડેન્ટેં લાગણીહીન અવાજમાં ચાલુ રાખ્યું“તમે ઘણીવાર કંપનીની   પોલિસીની બહાર જઈને  કામ કરો છો , તમે  બિઝનેસ આવાસઁ પછી  અમારા ક્લાઈન્ટ ને સંપર્ક કર્યો  જે  કાયદા પ્રમાણે  મિસકન્ડક્ટ  ગણાય છે,   તમે આટલા જુના  કર્મચારી છો એટલે અમે આ બાબત  પર એક્શન લેવા માગતા નથી પણ તમારા કોન્ટ્રાક્ટ માં રહેલા સેવરાનસ  બેનીફીટ્સ હવે  રદ ગણાશે.” 

       આ સાંભળીને  સંકલ્પને  પાણીમાં  તણાતી વખતે જેમ શ્વાસ રૂંધાય એવી અનુભૂતિ  થઈ,  એને  સાચેસાચો  ડર પણ લાગ્યો. કાંઈ પણ વધારે બોલ્યા કે સાંભળ્યા વગર  એ પ્રેસિડેન્ટની ઓફિસમાંથી બહાર નીકળી ગયો.. પોતાની  કેબિનમાં  જઈને ખુરશી પર બેસીને એને આખા વાર્તાલાપને  પચાવવાનો પ્રયત્ન કર્યો. ડરની કદાચ બે જાતિઓ હશે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. સ્ત્રીને ડર લાગે તો તે સંવેદનશીલતા અને પુરુષને ડર લાગે તો તે  કાયરતl.

       જ્યારે પહેલી વાર સંકલ્પની કંપનીનું  ટેક ઓવર થયું હતું ત્યારે  એમને પહેલું બાળક જન્મ્યું હતું . કંપનીની ઉથલપાથલમાં  સંકલ્પની નોકરી  સાચવાઈ  રહે  એટલે  એ  મેનેજરનો  બતાવેલું બધું કામ  કરી આપતો હતો એને એના  ઉપરી અધિકારીઓને  નારાજ  ન કરવા હતા એટલે એણે બે અઠવાડિયા પછી રજા પણ ન લંબાવી હતી. 

“  તું બે ત્રણ અઠવાડિયા વધારે ન શકે ?  હજી તો મારું  સિઝેરિયન પણ મટ્યું નથી. આ નાના જશને લઈને મારાથી ઉઠાતું બેસાતું પણ નથી. નવેમ્બર મહિનામાં દિવસ પણ કેટલો નાનો છે અને અંધારું જલ્દી થવાથી મને ઘરમાં ખૂબ જ એકલવાયું લાગે છે. જશને  પેટમાં ચૂંક  આવે છે ત્યારે એ બહુ જ જોર જોરથી રડે છે એ સાંભળીને હું પણ ખૂબ ગભરાઈ જાઓ છો અને રડી પડું છું”   મોક્ષાએ એકદમ રડામણાં અવાજમાં  કહ્યું હતું.

“ મોક્ષા,  હું સમજુ છુ પણ હમણાં કંપનીની હાલત એટલી નાજુક છે કે ત્રણ અઠવાડિયા મળ્યા એ પણ ઘણું છે. ડોક્ટરે જલ્દી જન્મ થવાની આગાહી કરી એમાં બે દિવસ નીકળી ગયા. ઓફિસના થોડા એકાઉન્ટો પ્રાઇવેટ છે એટલે એનું કામ મારે જ બતાવું પડશે અને આમ પણ હવે  નાના જશની સાથે ઘરમાં એકલા રહેવાની  આદત તારે પાડવી  જ પડશે .”  મોક્ષા જાણતી હતી કે એની બધી બહેનપણીઓ બાળકના જન્મ પછી પિયરે જઈ કેટલા લાડમાં રહેતી . નાનું બાળક હોય એટલેએકલા રહેવાનું તો આવે જ નહીં . નાના બાળકને સાચવવાની જવાબદારી પણ એમના માથે ન હોય . અહીં અમેરિકામાં એકલા એકલા મોક્ષાને જશને નવડાવતાં પણ ડર લાગતો. 

       આમ તો કેટલી વાર સંકલ્પ અને મોક્ષાએ  નોકરી માટે પોતાના મનને મારીને ભોગ આપ્યો હતો. ભારતમાં રહેતા સંકલ્પના માતા પિતા પણ ઘણીવાર બોલાવતા પણ ઓફિસનું કામ છોડીને સંકલ્પ જઈ શકતો ન હતો.. આ કોર્પરેટ ની દુનિયામાં કર્મચારીઓ પોતાનું જીવન એકતરફી નિષ્ઠા અને વફાદારીમાં ગિરવી  રાખતા હતા.. જરા આઘાપાછા થાવ  તો ઉપરીઓનું   મન ફેરવાઇ જાય અને બીજો કોઈ તમારી જગ્યl  લેવા તૈયાર જ હોય. આથી જ  સિદ્ધિના જન્મ વખતે પણ  સંકલ્પે  રજા વધારે લંબાવી ન હતી.  મોક્ષાએ ફરી સિઝેરિયન સાથે  બે નાના બાળકોનું   અને પોતાનું અને ઘરનું ધ્યાન રાખવાનું હતું . સંકલ્પે પણ  કુટુંબની   આર્થિક  જરૂરિયાતોનું,  બાળકોનું,  મોક્ષાનો,  માતા પિતાનું,  નોકરીનો  અને પોતાનો ધ્યાન રાખવાનું હતું.  

        કોરપોરેટ કમઁચારી એટલે મદારીનો બંદર એ વાત સંકલ્પને સમજાઈ ગઈ હતી. ક્યારે ખેલ બદલાય, કયારેક મદારી તો કયારેક બંદર જ બદલાઈ જાય . અને કશું વયકિતગત નહીં લેવાનું માત્ર આપવાનું તમારું જીવન, વફાદારી , જુવાની અને નિષ્ઠા .  આજે સવારે જેટલા ઉત્સાહથી  એ ઓફિસ આવ્યો હતો એના કરતાં બમણી ખિન્નતાથી બહાર નીકળીને પોતાની ગાડીમાં બેસી ગયો અને ઘર તરફ પ્રયાણ  કર્યું.  દરવાજા પર  થતી હલચલ  સાંભળીને  મોક્ષા આશ્ચર્યમાં પડી ગઈ.  હજી તો માંડ ચાર  વાગ્યા હતા અને આ સમયે છોકરાઓ સ્કૂલથી પાછા  આવ્વાના ન હતા અને સંકલ્પ નોકરી પર,  તો દરવાજા પર કોઈ  અજાણી વ્યક્તિ હશે એમ માની એ તરત પોતાનો દેખાવ ઠીકઠાક  કરવા  પોતાના રૂમમાં જતી રહી. જ્યારે નીચે આવી ત્યારે સંકલ્પને જોઈને  વિચારમાં પડી ગઈ,

“ આજે આટલો જલ્દી આવી ગયો?” “  મીટિંગ  કેવી ગઈ?”  મોક્ષાએ પૂછ્યું.

“ હા,  તું કહેતી હતી ને કે હું ઘરે નથી હોતો તો હવે હું થોડા દિવસ ઘરે જ છું”  એમ કહીને સંકલ્પે બુટ  કાઢતા સોફા પર  બેસીને  ઊંડો શ્વાસ લીધો અને ધીરે ધીરે આખી વાત કરી. મોક્ષાને માથે  તો આભ તૂટી પડ્યું પણ આ સમય  વિલાપ કરવાનો ન હતો પણ નવા રસ્તા શોધવાનો હતો ,  આ વાત એ સમજતી હતી. સંકલ્પે પણ થોડા દિવસ આરામ કરી બીજી નોકરીની શોધ શરૂ કરી ઘણીવાર મોક્ષા પણ   સંકલ્પને લાયક નોકરી  ફોનમાં શોધ્યા કરતી.  આખરે એક દિવસ સંકલ્પને  નવી કંપની માંથી ઇન્ટરવ્યૂ નો કોલ આવ્યો અને બધુ વ્યવસ્થિત  પાર પડતાં સંકલ્પે નવી શરૂઆત પણ કરી નાખી.  મોક્ષા જાણતી હતી કે સંકલ્પની વફાદારી નું  વળતર   ન મળવા છતાં આદત પ્રમાણે આ નોકરીમાં પણ સંકલ્પ પોતાનું  તનમન લૂંટાવી દેશે. સંકલ્પે હસતા હસતા કહ્યું “  હવે મારી નોકરી  ફક્ત  એક કલાક  જ  દૂર છે  એટલે  મને જતા આવતા  કુલ બે કલાક  થશે.”  મોક્ષાએ કપાળે હાથ માર્યો પણ બંને જણાએ બીજી નોકરી  મળવાથી  રાહતનો શ્વાસ લીધો. 


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪



          

શુક્રવાર, 9 ફેબ્રુઆરી, 2024

કચોરી- Kachori

       દરેક દરિયાને જેમ કિનારો હોય જ એમ આખા ભારતમાં બજાર કે નાની ગલીઓમાં એક તો ફરસાણની દુકાન હોય જ . આ દુકાન જ ખાવાના રસિયાઓનો કિનારો. શિયાળાનું ઊંધીયું , ચોમાસાના ભજિયા કે રવિવારની  સવારના  જલેબી ગાંઠિયાના શોખને પુરી કરતી ફરસાણવાળાની દુકાનો આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગઈ છે.  વારે તહેવારે, જન્મદિવસ કે જમણવારમાં, પરિણામ જાહેર થવાના દિવસે કે રોજ સાંજની ભૂખ સંતોષવા માટે આપણે ત્યાં દોડી જઈએ છીએ .  કોઈએ નિરીક્ષણ કર્યું હોય કે નહિ,  પણ આવતા જતા એના  કાચના કબાટમાં પર્વતોની જેમ સજાવેલી સમોસાની હારમાળા કે બુંદીના લાડુનો મધપૂડો જેવા  પકવાન જોઈ જોઈને જ આપણે મોટા થયા . મહેમાન આવ્યા હોય તો તરત ફરસાણની દુકાને દોડી જવું , મહેમાનના બહાને ઘરના લોકોને પણ ઉજાણી થાય.  અમુકવાર તો પોતાના જ પરિસરમાં આવેલો  ફરસાણવાળો ચડીયાતો એવી દલીલો પણ થાય. સાવ સાધારણ જેવી લાગતી આ દુકાનોમાં જે વ્યાપારના સિદ્ધાંતો શીખવા  મળે એ શીખવા  તમારે હજારો લાખો રુપિયા ખરચવા પડે. કોઈ નક્કી સંખ્યાના ખરીદદાર નહી છતા રોજ રોજ નવું ઉત્પાદન , વેંચાણ અને વકરો. એક એક દુકાન એક કારખાનું છે અને એમાં કામ કરતા લોકોની ધગશ વખાણવાલાયક છે . હવે પછી તમે ફરસાણવાળાની દુકાનોથી પસાર થાઓ તો અહીં લખેલી કવિતા જરુર યાદ કરજો . 




                                       

                              કચોરી 



સવારે બજારમાંથી જતા, સુગંધ એવી આવી, 

વિચાર કર્યો આજે ઘેર જતાં કચોરી ખાવી, 

ટત્રેનમાં બેસતાં પણ એ જ સુગંધ ધ્યાનમાં ભરાઈ, 

ઑફિસમાં ચા ની સાથે કચોરીની કમી જણાઈ. 


સાંજે ઘેર જતી વખતે પાછી આવી ફરસાણની દુકાન, 

ખમણ, પાતરા, ભજિયા , ગાંઠીઆ જેવા પકવાન,

તટસ્થ શિખર જેવું પડ મેંદાનું , પુરણમાં લાજતી અડદની દાળ,

મીઠોં સ્વાદ વરીઆલીનો , તીખો મરચાંનો લાવે મોંમા લાળ,

ન ગમે ફાફડા, ન ગમે જલેબી , આજે તો માત્ર કચોરી,

ગર્વથી ફુલેલી , સેવ , ચટની, દહીંસાથે , ન ભાવે કોરી.


આ તો કેટલી ભીડ દુકાને !! ભીડને બે બે કોણિયા હાથ ,

લેવાની અધીરાઈ  ને આપવાની ત્વરા , બંનેનો સાથ.

જે ગ્રાહક બોલે ,તે કાકા રટે, રોકડાની હેરફેર થાય,

સાથે ઉભેલો લાલો ય , કેટલા દીધા ગણતો જાય.

દોઢ કલાકમાં કાકાએ કર્યો , આખા દિવસનો વ્યાપાર ,

એક પડીકું મને ય મળ્યું , કહી કહીને બે-ત્રણ વાર.


હાથમાં પડીકું આવતા , માન્યો મનમાં આભાર,

ત્યાં જ  થંભીને ખાવાની ઇચ્છા  થઈ અપાર,

ઘેર જઈને ખોલ્યું તો થયો મોટો વિશ્વવાસઘાત, 

અરે….રે… આ તે કેવો આઘાત !!!


રસાળ સપનાં અને ભીડનાં સંઘર્ષ પછી શું થયું ?,

મન હતું કચોરીનું ને આ બટાટુંવડુ આવી ગયું .

રડામણા મોઢેં હવે પાછા તો કેમ જવાય,

કવિતા લખું , આજે કચોરી તો નહીં અ જ ખવાય.

આજે કચોરી તો નહીં અ જ ખવાય.


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪


.






શનિવાર, 3 ફેબ્રુઆરી, 2024

રાવજીભાનું પરાક્રમ -Ravjibha nu Prarakram


  રાવજીભાનું પરાક્રમ 


વલસાડ સ્ટેશનથી થોકેક દુર આવેલા તિથલ રોડ પર એક નવો બંગલો બંધાયો  હતો.આ બંગલામાં રાવજીભા એમના પત્ની મેનકાબહેન અને એમના ત્રણ નોકરો સાથે રહે . ત્રણ નોકરો એટલે પૈસેટકે સધ્ધર જ હોય એમ માનવાનું હોય. રાવજીભા મૂળ મોરબીના વેપારી પરિવારના ત્રીજા અને સૌથી નાના વારસ. રાવજીભાના પિસ્તાળીસ વરસ લીલા લહેરમાં ગુજર્યા તેથી શરીર જરાક…. , જરાક વધારે , થોડું વધારે વધી ગયું હતું . સોનાચાંદીનો કૌટુંબિક વ્યાપાર હતો , જે બે મોટા ભાઈઓ સાચવતા હતા . બાળપણથી જ થોડા હલકા ફૂલકા , અને દિલખુશ મિજાજના રાવજીભાને બહું લાડમાં રાખેલા એટલે અમને માથે દુકાને બેસવા સિવાય બહું કામ આવતું નથી . ભણવામા પણ એટલે જ એ લીલા લહેરમાં જ રહ્યા અને શાળા માંડ પુરી કરી . મેનકાબહેનને ઘરકામમાં નિપુણ બનાવ્વા માટે એમના વાલીઓએ દસમા પછી અભ્યાસ બંધ કરાવ્યો હતો. મેનકાબેન દેખાવમાં એકદમ કોઈ અભિનેત્રી જેવા લાગતા , ખાતે પીતે સુખી જ હતા પરંતુ મનમાં ને મનમાં દુઃખી થયા કરતા. આ દંપતીની એકની એક દીકરી પરણીને સાસરે ગઈ હતી. હવે ઘરમાં રાવજીભાઈ, મેનકાબેન અને ત્રણ નોકરો રહેતા હતા જેમાંથી એક રઘુ આખો દિવસ શેઠની સાથે જ રહેતો.

 સવારના ચા-પાણી પીને અને  અને ખોડિયાર માની પૂજા કરીને રાવજીભા દુકાને જવા તૈયાર થયા.  સરસ મજાનો સુતરાવનો વાદળી કલરનો ઝભ્ભો અને કાંજી  કરેલો કડક સફેદ પાયજનામો પહેરીને,  કપાળે તિલક કરીને,  મોજડી પેરતા પહેરતા રાવજીભાએ સાદ આપ્યો, “ અલી ….સાંભળસ, પેલા નવા તડકાના ચશ્મા ક્યાં છે?”  

મેનકાબેને છણકો કરીને કહ્યું “ મને શું ખબર ? આ તમારી વસ્તુ તમે સાચવીને રાખતા કેમ નથી? આ ઘરના કામ મને ઓછા છે કે હવે વસ્તુઓનો ભંડાર લઈને બેસુ?”  રાવજીભા એટલું સમજ્યા કે શેઠાણી અત્યારે ગુસ્સામાં લાગે છે. 

રાવજીભાને બધા શેઠ કહેતા એટલે એ પણ મેનકાબેન ને વહાલથી  શેઠાણી કહેતા , એમના ફોનમાં પણ એમણે મેનકાબેનનું નામ શેઢાણી કરીને જ મૂક્યું હતું. ભણતરમાં ચરી ખાધેલું  એટલે મૂળ કાઠિયાવાડી હોવા છતાં શેઠનું ગુજરાતી નબળું હતું અને શેઠાણી પણ એમની હારે હારે જ હતા.  

રાવજીભાએ થોડું મલકાતા મલકાતા પૂછ્યું, “ તમનેશું થયું છે  કે આજે સવાર સવારમાં વિપક્ષની જેમ ટોણા મારો છો? “

શેઠાણી વધારે ખીજાણા, “  તમને શું ? …. તમ તમારે બેસી રહો ગલ્લે અને ચા નાસ્તો કર્યા કરો , ઈ જ કરે રાખ્યું છે આજ સુધી . તમારા પોતાના બાવડે કાંઈ કરવાનું જોર નથી. તમારે  નાના મોટા ખર્ચા માટે પણ મોટાભાની  પાહે  હાથ લંબાવો પડે છે . આ આજની પેઢીના જુવાનિયાઓ ય પોતે ધંધા ખોલે છે. તમને  તમારા ભાઈઓ સિવાય ચાલતા આવડતું જ નથી. આ પાડોશમાં બધી શેઠાણીઓનો પોતાનો ધંધો છે હું એક જ આ નોકરીયાતની બાયડી છું.” 


રાવજીભા  જાણતા હતા  કે શેઠાણીને  સહિયારો  ધંધો  ગમતો ન હતો  પણ એમને મન  એમાં કોઈ ખરાબી ન હતી. આ  ઉંમરે  બીજું કાંઈ કરવાનું સાહસ ન હતું  , કોઈપણ ઉંમરે ન હતું . શેઠાણીની  દેખાદેખી કરવાની ટેવ થી રાવજીભા ગુસ્સે થઈ ગયા. બદલામાં મેનકાબેન બે ઘણું ગુસ્સે થઈ ગયા અને રાવજીભા એમના નોકર  રઘુના શોધેલા ચશ્મા લઈને ઘરની બહાર નીકળી ગયા.

 

હજી તો ગાડીમાં જ હતા ને મેનકાબેન નો મેસેજ આવ્યો. રાવજીભાએ  થોડી શંકાથી ફોનમાં જોયું . મેનકાબેનનું નામ એમણે શેઠાણી ને બદલે શેઢાણી  લખ્યું હતું. રાવજીભાએ  મેસેજ વાંચ્યો, વાંચીને થોડા  મુંજાણા.ગાડીને દુકાને ન લઈ જતા સીધી  કુંભાર બજાર લઈ જવા નો આદેશ આપ્યો.  ડ્રાઇવર અને રઘુ  બંનેની નજરો  રમતમાં લખોટીઓ  અથડાય એમ અથડાઈ , બંનેએ એકસાથે શેઠ સામે જોયું. રાવજીભા  કોઈ  ઊંડા વિચારમાં લાગતા હતા. રઘુએ શેઠને કોઈ દિવસ આટલા ઊંડા તણાતા  જોયા નહોતા એ તો છીછરામાં જ  તરતા રહેતા. આખરે રઘુથી  નહીં રહેવાયું  અને એણે  શેઠને ડૂબવા નહીં દેવાના વિચારથી પ્રશ્ન પૂછ્યો,

“  શેઠ,  કુંભાર પાસે માટલા ખરીદવા છે ? શેઠાણી તો કાંઈ બોલ્યા નથ ! “

 રાવજીભા  ગુસ્સાથી એટલા ધૂંઆપૂંઆ  થઈ ગયા હતા કે કાંઈ જવાબ ન આપી શક્યા ફક્ત ખીસામાંથી રૂમાલ કાઢીને મોઢા પરનો પરસેવો લુછવા લાગ્યા.


હમણાં જ થોડી વાર પહેલા ગાડીમાં બેઠેલા રાવજીભાએ મેનકાબેનનો મેસેજ વાંચ્યો હતો,  જેમાં લખ્યું હતું કે “તમે બધી જ વાતમાં  ડરો છો કોઈક વાર તો હિંમત બતાવો. જે થશે એ  જોયુ જશે.” “આજે સાંજે બૈંક  ચોરી લાવજો.”

રાવજીભાએ  પહેલા તો  હસવામાં લઈ  લીધું અને પોતાના નવા તડકાના ચશ્મામાંથી રસ્તાની ગાડીઓ અને સિગ્નલની  બત્તીને જોવા લાગ્યા.  અચાનક  બત્તી  લાલ થઈ અને એના ચટકા રાવજીભાની આંખોમાં લાગ્યા, મનમાં પણ એક ફાળ પડી.   

મેસેજનો વિચાર કર્યો અને જાણી ગયા કે આ તો શેઠાણીએ એમને લલકાર્યા છે. રાવજીભાને  થયું શેઠાણી ધારે છે કે એમનામાં કાંઈ પાણી નથી પૈસા ઉભા કરવાનું , આ એમના સ્વાભિમાન પર ઘા હતો. જો આ ટાણે  બતાવી દઉં તો શેઠાણીનું પણ  ટકટક કરવાનું બંધ થઈ જાય અને આખરે તો આ એક સોનેરી તક હતી રાવજીભાને  પોતે પણ કાંઈ પરાક્રમ કરવાની અને આવી રીતે શેઠાણીના મનમાં પણ એમનું માન વધશે.  

રસ્તામાં જતા એક  ચપ્પુની દુકાન આવી રાવજીભા એ વિચાર્યું કે એ મોઢા પર રૂમાલ બાંધી,ચપ્પુ લઈને બેંકની બારીમાં કામ  કરતી મહિલા સામે જઈને  એક લાખ રોકડાની માંગણી  કરશે.  પરંતુ તરત જ વિચાર આવ્યો કે ચપ્પુ પર હાથ ની છાપ રહી જશે તો ? આજે નહીં તો કાલે પકડાઈ જશે અને ઉપરથી શેઠાણી ની નજરમાં પડી જશે. રાવજીભાએ ચપ્પુ નો વિચાર,  સુવાનો મુખવાસ ચાવતા  ચાવતા કાપી નાખ્યો. ઓ …રે … આ તો જીભ પણ ચવાઈ ગઈ. 

બીજો વિચાર એ કર્યો કે બૈંકમાં બોમ છે એવી અફવા ફેલાવીને રોકડા લઈને નાસી જવું પણ પછી નિરાશ થઈ  ગયા કે આ  ઉંમરે આ શરીર સાથે  બહુ દૂર તો દોડાય નહી . આ બીજા વિચારને પણ પડતો મૂક્યો.  અહીં શેઠ તણાઈ રહ્યા હતા અને રઘુ એના ફોનમાં રમત રમી રહ્યો હતો. આખરે  બે સિગ્નલ પછી  લીલી બત્તી થઈ અને રાવજીભાની અંદરનો મૂળ વતન મોરબીનો કાઠિયાવાડી જાગ્રત થઈ ગયો.

 .. રસ્તામાં એક કુંભારના આંગણમાં ઢોરોનો  ઝુંડ જોઈને ગાડી થોભાવી. નીચે ઉતરીને કુંભાર પાસે જઈને એને કહ્યું

“ એ ભાઈ, એકદમ  જ ગાંડો  બળદ ક્યાં મળશે  ?”

  કુંભારે  પૂછ્યું, “  તમને  બળદ  કેમ જોઈએ અને એ પણ પાસો ગાંડો ?” 

 રઘુ પણ હવે ઊંડી ઉત્સુકતામાં તણાતો હતો. 

“ હા …હો ભાઈ , મારે તો એકદમ છટકેલા મગજનો બળદિયો જોઈએ છે.”

શેઠ અમસ્તા જ ખુશ થતા થતા બોલ્યા . 

 કુંભારે ખૂણામાં બાંધેલા બળદ ની સામે આંગળી ચિંધતા કહ્યું , “ આ  હામેં  હેને   એ એકદમ  ગાંડો મલે. તમારે કૈમ જોઈએ  સે.” 

“ એ તો હું પણ વિચારું છું!!” રઘુએ હવે  તણાતા તણાતા હાથથી સપાટી પર ફાફા મારતો હોય એમ  કહ્યું. 

 રાવજીભા કહે, “આતો શાંત લાગે છે  , મને તો  અસલનો ફાટેલો  જોઈએ છે.”

 કુંભારે  કહ્યું, “  આને કાને અડતા નહીં , અડશો તો એ અસલનો બળદિયો , પછી એ કોઈનો નહીં.” 

આ સાંભળીને શેઠ ખુશ થયા અને કુંભારને કહ્યું કે બાર વાગે બળદની સાથે એમની દુકાન પર આવી જાય અને દુકાનનું સરનામું પણ આપ્યું . 

  રાવજીભા અને રઘુ હવે પાછા ગાડીમાં બેસીને દુકાને પહોંચ્યા. આજે કાંઈ ખાસ દિવસ તો નહોતો પણ હવે પછી આ દિવસ રાવજીભાના શૌર્યની યાદગીરી બની જવાનો હતો. રઘુને તો પેટમાં સખત આંટી આવી અને રહેવાયું નહી. એણે શેઠને પૂછી જ લીધું કે બળદ કેમ મંગાવ્યો છે અને એ પણ ગાંડો ? 

હવે રાવજીભાએ વાત શરું કરી કે કેવીરીતે આ એમની પ્રતિષ્ઠાનો સવાલ છે , શેઠાણીએ જે પડકાર આપ્યો છે એ ઝિલ્વો  અને કરી બતાવ્વું. “ આમ તે કાંઈ બૈંક લુંટાય , આપણા જ ધંધાના રુપિયા છે ત્યાં , તમને જોતા હોય તો મોટાભા હારે માંગી લો , અને સજા થશે એ જુદું.” શેઠ અકળાયા રઘુને માથે ટપલી મારતા બોલ્યા , “ તે તું તો રઘલો તે રઘલો જ રહેવાનો. અરે …. જરા મોરબીના વાણિયાની જેમ વિચાર કર , આપણે બળથી નહી કળથી બૈંક લુટવાના છીએ.”

“ એટલે” રઘુએ પુછયુ ફાટેલી આંખો અને ગળાસુધી પસરેલા જડબા સાથે.

“ યુક્તિ  રઘલા ….. યુક્તિ. પૈસા બેંકમાથી લેવાના નથી , પણ પૈસા બેંકમા ભરવાના જ નથી .” 

રઘુ કાંઈ સમજ્યો નહી અને દરવાજે આવી ચડેલા બળદ અને કુંભારને જોવા ગયો. 

રાવજીભાએ હાથમાં પૈસાની બેગ લીધી અને નિયમ પ્રમાણે સામેની બાજુ પર આવેલી બેંકમા દાખલ થયા. પોતાને ઉતાવળ છે એમ કહીને સીધા મેનેજર પાસે જ જવાની માંગણી કરી. બેંકના લોકો રાવજીભા અને એમના પરીવારને ઓળખતા હતા એટલે એમને તરત મેનેજર પાસે જવા દીધા. પોતે બહુ જ વ્યસ્ત હોય એમ જલદી જલદી ગમે તેમ જમા પરચી ભરવા લાગ્યા . મેનેજરને પૈસાની બેગ ગણવા આપી, ઠીક એ જ સમયે કુંભારે બેંકના દરવાજે ઊભા બળદના કાન ખેંચ્યા . પછી તો શું બળદ ગાંડો થઈને બેંકની અંદર દોડવા લાગ્યો. લોકો ભયભીત થઈને ચીસાચીસ કરતા બધી બાજુ દોડ્યા , એ સાંભળી મેનેજર ઓફિસમાથી બહાર આવ્યા . મેનેજરની સાથે રાવજીભા પણ. રઘુને મળેલી સુચના પ્રમાણે એણે પૈસાની બેગ ઉપાડી લીધી અને ભીડની સાથે છુપાતો છુપાતો   બહાર નીકળી ગયો. 

 ઇશારો મળ્યા પછી કુંભારે બળદને વાર્યો અને માફી માંગતા બેંકની બહાર નીકળી ગયો , બળદિયા સાથે. 

બધું જ યોજના મુજબ પતી ગયું રાવજીભા તો ભાવુક થઈ ગયા . એમને પોતે જ શેઠાણી વતે પોતાની પીઠ થપથપવ્વાનું મન થયું. એક અઠવાડિયા માટે પણ , એમનું હદય ગર્વથી ફુલાઈ ગયું . રઘલાને ય બમણું માન થયું શેઠ પરત્યે . શેઠાણીને હજી આ વાતની ગંધ નથી આવી એમને તો ગુસ્સો છે શેઠને કોઈ દિવસ કાંઈ યાદ જ રહેતું નથી. રાવજીભાએ થોડા દિવસ પછી આવતા દિવાળીના તહેવારમાં એમને રુપિયા  આપ્વાનું નક્કી કર્યું . 

એક અઠવાડિયા પછી બેંકના મોટા સાહેબોએ એક લાખની ખોટની તપાસ કરવાનું ચાલું કર્યું અને પૂછતાછ કરીને જાણ્યું કે રાવજીભાના નોકરના હાથમાં  જ રૂપિયાની બેગ હતી. મેનેજરના વર્ણન પ્રમાણે રાવજીભા એકલાજ આવ્યા હતા. પોલીસે કુંભારને પણ શોધી કાઢ્યો અને એની સાક્ષીની મદદથી  રાવજીભા પર ચોરીનો કેસ માંડ્યો . ઘર સુધી વાત આવી ગઈ , કોઈને સમજાતું નહોતું કે કરોડોનો વ્યાપાર કરતા આ શેઠને ચોરી અને છેતરપિંડી કરવાની શું જરુર પડી? શેઠાણીએ તો પાંચ  કોરા ઉપવાસ કરવાનું વ્રત પણ  લીધું. 

આખરે મામલો મેજિસ્ટેત્રટ સામે આવ્યો . રાવજીભાના વકીલે કહ્યું “ મારા અસીલ , રાવજીભા ખુબજ પ્રખ્યાત વેપારી છે , તેઓ ખુબ જ સમજદાર છે એ આવું કામ કરે જ નહી .” સરકારી વકીલે રાવજીભાને સવાલોની તોપથી વીંધી નાંખ્યા  . એમના તો હાથ પગ ફુલી ગયા, હદય પણ છાતી ફાડીને બહાર કુદીને અપઘાત કરવા મંથતુ હતું. રાવજીભાએ ગુનો સ્વીકાર્યો . હવે એમના વકીલે કહ્યું કે એમના અસીલ માનસિક સમતુલન ખોઈ બેઠાછે એટલે આવું કહે છે. સરકારી વકીલ ભડકયા,  “હંમણા તમે કહ્યું કે તમારા અસીલ સમજદાર છે હવે કહો છો ગાંડા છે , આખરે તમે કહેવા શું માંગો છો?” 

હવે મેજિસટત્રેટે વચ્ચે પડી રાવજીભાને  પૂછ્યું , “ તમે એક વાક્યમાં જણાવશો કે તમે બેંકમા ચોરી કેમ કરી?” રડુંરડું  થતા ચહેરે રાવજીભા બોલ્યા “ સાહેબ હું તો જગતના બધા પુરુષોની જેમ પત્નીની આજ્ઞાનું પાલન કરતો હતો અને એની નજરમાં માન પામવા માટે અમે આ સાહસ કર્યું છે. “ હવે હદયનો ભાર જરા ઓછો થયો. શેઠાણી પણ કચેરીમાં બેઠા હતા એ કશું સમજ્યા નહી પણ રાવજીભા ને પ્રેમ અને નિષ્ઠાથી જોવા લાગ્યા. મેજિરટત્રેટે પુરાવો માંગ્યો એટલે શેઠે ફોનનો મેસેજ બતાવ્યો . મેજિસ્ટત્રેટે ફોન હાથમાં લીધો તેમણે પોતે પણ ગુજરાતીમાં બી. એ. કર્યું હતું એટલે પહેલા તો ‘શેઢાણી’ વાંચીને મોઢું ખાટું થઈ ગયું . પછી મેસેજ વાંચીને એમને પરીસિથતીનો ખ્યાલ આવી ગયો. 

મેજીસ્ટત્રેટે ચુકાદો આપ્યો કે દેખીતી રીતે પૈસાની હેરફેર થઈ નથી અને બેંકે પણ શેઠના ખાતામા પૈસા ભર્યા નથી કે શેઠે વાપર્યા નથી તેથી કેસ રદ કરવામાં આવેલ છે. આ સાંભળીને શેઠ, શેઠાણી અને રઘુના  આનંદનો પાર ન રહ્યો . કચેરીમાંથી બહાર નીકળતા શેઠાણીએ રાવજીભાના  ફોનમાં જોયું તો ……………

હવે શેઠાણી સમજ્યા કે રાવજીભાને કચોરી લાવ્વાનું યાદ કેમ ન રહ્યું . 


રચના : જાગૃતિ દોશી ૨૦૨૪




ગા્ફિક કે્ડીટસ : કિ્એટર જાગૃતિ with the help of   મેસેજીસ , સમારટ ફોન , ગુગલ